છેલ્લાં વીસ વર્ષોમાં બાળકો તથા મોટેરાઓમાં દમનું પ્રમાણ દુનિયાભરમાં વધતું જાય છે. એક અંદાજ પ્રમાણે ભારતમાં દર વીસ બાળકોએ એક બાળક દમની તકલીફથી પીડાય છે. વિકસિત દેશોમાં આ પ્રમાણ વધુ છે. દમને નિયંત્રણમાં રાખી શકાય છે. જો યોગ્ય રીતે નિયંત્રણમાં લેવામાં ન આવે તો આવા દર્દીઓને વારે-વારે દમના હુમલા આવે છે.
શ્વસનતંત્ર કેવી રીતે કામ કરે છે ? આપણાં નાક તથા મોં દ્વારા જે શ્વાસ લેવામાં આવે છે તે શ્વાસનળી તથા શ્વાસનલિકાઓમાં થઈને ફેફસાં સુધી પહોંચે છે. ફેફસાં હજારો ફુગ્ગા જેવા કોષોનાં બનેલા છે, જેને વાયુ કોષ (એલ્વીઓલાઈ) તરીકે ઓળખવામાં આવે છે. આ કોષ દ્વારા હવામાંનો ઓકિસજન લોહીમાં ભળે છે તથા લોહીમાંનો કાર્બન ડાયોક્સાઈડ કોષમાં પાછો આવી શ્વાસનળી દ્વારા બહાર નીકળે છે.
દમ શું છે ? દમમાં શ્વાસની દીવાલમાં સોજો આવે છે તથા તેનાં સ્નાયુઓ સંકોચાયેલા રહે છે. આથી શ્વસન માર્ગની જગ્યા સાંકડી થઈ જાય છે. પરિણામે વ્યક્તિને જરૂરી ઓક્સિજન ન મળતાં ઝડપથી શ્વાસ લેવો પડે છે. આગળ જતા શ્વાસ રૂંધાય છે અને બાળક ગભરામણ અનુભવે છે. શ્વસનમાર્ગની સંકડામણ દવાની મદદથી ઝડપથી દૂર થાય છે. ક્યારેક આવી સંકડામણ આપમેળે પણ દૂર થતી હોય છે.
દમનાં લક્ષણો :
- શ્વાસ લેતી વખતે સિસોટી જેવો અવાજ થવો, શ્વાસ ઝડપથી ચાલવો.
- રાત્રે ખાંસી વધુ થવી.
- કસરત કે દોડવાની ક્રિયા પછી ખાંસી વધુ થવી.
- હવામાં રહેલાં એલર્જી કરી શકે તેવાં તત્વો (એલર્જન)ના સંસર્ગ પછી છાતીમાં ભીંસ આવવી, શ્વાસ રૂંધાવો, ખાંસી થવી કે શ્વાસમાં સિસોટી જેવો અવાજ થવો.
- શરદી દસ દિવસ કરતાં વધુ લાંબી ચાલવી કે શરદી પછી છાતીમાં ભરાવો થવો.
દમની તકલીફનું નિદાન
બાળકને ઉપર જણાવેલ તકલીફો રહેતી હોય તો તમારા ડાક્ટરની સલાહ લેવી જોઈએ. ડાક્ટર તપાસ કરીને આ તકલીફ વિશે તમને જણાવી શકે કે બાળકને દમની તકલીફ છે કે નહીં. સ્પાઈરોમીટર કે પીક-ફ્લોમીટર જેવાં સાધનો વડે ફેફસાં તથા શ્વાસનળીની કાર્યક્ષમતાની તપાસ કરીને પણ આ તકલીફ વિશે જાણી શકાય. સામાન્ય રીતે આ તપાસ 5 વર્ષથી મોટી ઉંમરનાં બાળકોમાં કરવી સુગમ પડે છે. નાની વયનાં બાળકો આ તપાસ માટે જરૂરી સહકાર આપી શકતાં નથી. આ તપાસમાં FEV1/FVC નો ગુણોત્તર બાળકો માટે 90 % કરતાં વધુ હોવો જરૂરી છે. આ ગુણોત્તર ઓછો આવે તો શ્વાસનળી પહોળી કરવાની દવા આપ્યા પછી તપાસ ફરીથી કરવામાં આવે છે. દવા આપ્યા પછી FEV1માં 12 ટકા કે તેથી વધુ સુધારો થયો હોય તો બાળક દમની બીમારીથી પીડાય છે તેમ જાણી શકાય છે. સ્પાઈરોમીટરને બદલે એક સાદું સાધન પીક-ફ્લોમીટર દ્વારા પણ આ તપાસનો સાધારણ અંદાજ મેળવી શકાય છે. શ્વાસનળી પહોળી કરવાની દવા આપ્યા પછી પીક-ફ્લોમીટરનાં માપ્નમાં 15 ટકાનો સુધારો જણાય તો બાળકને દમની તકલીફ છે તેમ જાણી શકાય છે.
દમની તકલીફ કેમ થાય છે?
દમની તકલીફ થવા માટે ઘણાં બધાં પરિબળો જવાબદાર હોય છે જેને મુખ્ય બે ભાગમાં વહેંચી શકાય : ૧. વારસાગત પરિબળો ૨. પર્યાવરણીય પરિબળો
વારસાગત પરિબળો: દમ, ખરજવું કે અન્ય એલર્જીવાળી પ્રકૃતિ ધરાવતી વ્યક્તિઓનાં બાળકોને દમ થવાની શક્યતા વધુ રહે છે.
પર્યાવરણીય પરિબળો: દમની તકલીફ માટે જવાબદાર વારસાગત પરિબળો ધરાવતી વ્યક્તિ જયારે અમુક પ્રકારનાં પર્યાવરણીય પરિબળોનાં સંસર્ગમાં આવે ત્યારે તેને દમની તકલીફ શરૂ થતી હોય છે. આવાં પર્યાવરણીય પરિબળો જાણવા માટે ઘણાં સંશોધન થતાં રહ્યાં છે. ઘરની ધૂળ, ધૂળમાં રહેલા માઈટ (mite) નામનાં જંતુ, કૂતરા-બિલાડી-ઉંદર-વાંદા જેવાં પ્રાણીઓનાં સ્રાવ તથા વિષ્ઠા, વિવિધ પ્રકારની ફૂગ વગેરે સાથેનો સંપર્ક દમના દર્દીને દમનો હૂમલો લાવી શકે છે તે વિશે કોઈ સંદેહ નથી. દમના દર્દીએ આવા એલર્જનથી તો દૂર જ રહેવું જોઈએ. પરંતુ આવા એલર્જન સાથેનો સંપર્ક દમનો રોગ પેદા કરવા માટે જવાબદાર છે કે નહીં તે વિશે હજુ સુધી ચોક્કસ નિર્ણય થઈ શકયો નથી.
કેટલાક અભ્યાસ ઉપરથી કહી શકાય કે પશ્ર્ચિમનાં અતિ સ્વચ્છ વાતાવરણ, જંતુરહિત (semi sterile) ખોરાકની સાથે દમ તથા અન્ય એલર્જીક રોગોની સંખ્યા વધવાનો સંબંધ જણાઈ આવ્યો છે. આવા વાતાવરણની સરખામણીમાં જે બાળકો ખેતરમાં પશુઓની સાથે કે બિલાડી જેવા પાલતુ પશુની સાથે ઉછર્યાં હોય તેઓને દમની તકલીફ થવાની શક્યતા ઘટી જાય છે. એન્થ્રેપોસોફિક કુટુંબો કે જેઓ ઓછી એન્ટિબાયોટિક દવાઓ તથા ઓછી રસીઓ વાપરતા હોય છે તથા ખોરાકમાં દહીંમાંથી મળે છે તે જાતનાં એક પ્રકારનાં બેક્ટેરિયાનો ઉપયોગ કરતાં હોય છે, તેઓમાં દમ અને એલર્જીક તકલીફો ઓછી થાય છે. આવા પ્રકારની જીવનશૈલી જીવતી વ્યક્તિઓને વારસાગત પરિબળો હોવા છતાં દમનો રોગ પેદા થવાની શક્યતા ઘટી જાય છે. વૈજ્ઞાનિક પરિભાષામાં આ થીયરીને હાઈજીન હાઈપોથીસિસ તરીકે ઓળખવામાં આવે છે.
બીડી, સિગારેટનો ધુમાડો, વાતાવરણનું પ્રદૂષણ, ટ્રાફિકનું પ્રદૂષણ – ખાસ કરીને ડીઝલનો ધૂમાડો – ત્રણ વર્ષની ઉંમર પહેલાં થયેલ શ્વાસનળી તથા ફેફસાંના ગંભીર વિષાણુથી થતા ચેપ વગેરે પરિબળો પણ દમનો રોગ પેદા કરવા માટે મહત્ત્વનો ભાગ ભજવે છે. આ પરિબળોથી બાળકને દૂર રાખવું સલાહભરેલું છે.
વિટામિન-સી યુક્ત ફળો આહારમાં લેવાથી દમની તકલીફ ઘટતી જાય છે. તેથી વારસાગત પરિબળ ધરાવતાં બાળકોને નિયમિત વિટામિન-સી યુક્ત ફળો (આમળાં, જામફળ, સંતરા, લીંબુ, ગોરસઆમલી, પપૈયા, બોર વગેરે) આપવા લાભકારક છે.
દમના દર્દીની તકલીફ ઉત્તરોત્તર વણસી રહી છે કે કેમ તે કેવી રીતે જાણી શકાય?
- શ્વાસ ચડવાને કારણે તથા ઉધરસને કારણે રાત્રે જાગવાના પ્રસંગો વધુ બનતા જાય.
- થોડું ચાલવાથી, બોલવાથી પણ શ્વાસ ચડે. શ્વાસની તકલીફને કારણે વાત કરતી વખતે શબ્દો ત્રૂટક-ત્રૂટક બોલાય.
- વારંવાર દવા લેવી પડે, નિયમિત દવા લેવા છતાં બરાબર ફાયદો ન થાય અથવા શ્વાસ માટેની દવાની જરૂરિયાત વધતી જાય.
દમની સારવાર કેવી રીતે કરવામાં આવે છે?
દમના હુમલાની દવા-સારવારનાં મુખ્ય બે પાસા છે : (૧) દમના હુમલામાં તાત્કાલિક રાહત આપી શકે તેવી શામક (reliever) દવાઓ. (૨) દમનો હુમલો આવતો અટકાવી શકે તેવી નિરોધક (controller) દવાઓ.
શામક દવાઓ : આ દવાઓ સંકોચાયેલ શ્વાસનળીને પહોળી કરી દમના હૂમલામાં તાત્કાલિક રાહત આપે છે. પરંતુ જ્યારે આ દવાઓની અસર ઓછી થવા માંડે કે તરત ફરી પાછી શ્વાસનળી સંકોચાવા માંડે છે અને તકલીફ શરૂ થાય છે. આ પ્રકારની દવાઓ દમના હુમલામાં તાત્કાલિક રાહત આપવા માટે ખૂબ ઉપયોગી છે. સાલબ્યુટામોલ, ટર્બ્યુટાલિન, અમિનો ફાઈલિન વગેરે આ પ્રકારની દવાઓ છે.
નિરોધક દવાઓ : આ દવાઓ દમના દર્દીઓએ લાંબા સમય સુધી દરરોજ લેવાની હોય છે. આ દવાઓ દમનો હુમલો આવતો અટકાવે છે. શ્વાસનળીમાં સોજો ઘટાડતી દવાઓ તથા લાંબા સમય સુધી શ્વાસનળીને પહોળી રાખતી દવાઓ આ પ્રકારમાં આવે છે. બુડેસોનાઈડ, બેક્લોમેથાઝોન, ફ્લુનિસોનાઈડ, ફ્લુટિકાઝોન, ટ્રાએમ્સિનોલોન, સાલ્મેટેરોલ, ફોર્મેટેરોલ, સોડિયમ ક્રોમોગ્લાયકેટ, મોન્ટેલ્યુકાસ્ટ વગેરે દવાઓ આ પ્રકારનાં ઉદાહરણો છે.
દમની સારવાર માટે ગોળી અથવા સીરપ લેવાં સારાં કે પંપ?
દમની સારવાર માટેની દવા ગોળી, સીરપ, ઈન્હેલર (પંપ), રોટાહેલર, નેબ્યુલાઈઝ્ડ સોલ્યુશન વગેરે અલગ-અલગ સ્વરૂપમાં મળતી હોય છે. ગોળી અથવા સીરપમાંની દવા પેટમાં જઈ લોહીમાં ભળી જાય છે. દવાયુક્ત લોહી શ્વાસનળીની દીવાલમાં પહોંચે ત્યારે દવા ત્યાં અસર કરે છે. આ સાથે આ દવા લોહી દ્વારા શરીરનાં બીજા અંગો-અવયવો સુધી પણ પહોંચે છે, તથા ત્યાં તેની બિનજરૂરી અસર-આડ અસર થયા કરે છે. પંપ (ઈન્હેલર, રોટાહેલર કે નેબ્યુલાઈઝર) દ્વારા લેવામાં આવતી દવા માત્ર શ્વસનતંત્ર પૂરતી જ મર્યાદિત રહે છે. તે વધુ ઝડપથી પણ અસર કરે છે. વળી, આ સ્વરૂપે લેવામાં આવતી દવા મોં દ્વારા લેવાતી દવા કરતાં ઘણી ઓછી માત્રા (ડોઝ)માં હોય છે. યોગ્ય માત્રા (ડોઝ)માં આ સ્વરૂપે દવા લેવામાં આવે અને થોડીક અન્ય કાળજી રાખવામાં આવે તો મોટા ભાગના દર્દીઓને વર્ષો સુધી આ દવા લેવા છતાં કોઈપણ પ્રકારની આડઅસર થતી હોતી નથી. આમ, પંપ દ્વારા લેવાનારી દવાઓ વધુ સારી અને ઓછી આડઅસર કરનારી છે. કિંમતની દ્ષ્ટિએ જોઈએ તો પંપ દ્વારા લેવાનારી દવાઓમાં શરૂઆતનું રોકાણ થોડું વધુ હોય છે, પરંતુ તેનો યોગ્ય વપરાશ દમના હુમલાને કારણે વારંવાર થતી હોસ્પિટલની મુલાકાતો ઘટાડે છે અને સરવાળે તે સસ્તી પડે છે.
દમની સારવારમાં સ્ટીરોઈડ્ઝ વપરાય છે?
હા, દમની સારવારમાં સ્ટીરોઈડ્ઝ વપરાય છે. આ દવાઓ શ્વાસનળીનો સોજો ઘટાડે છે તથા દમના હુમલાને આવતો અટકાવે છે. બુડેસોનાઈડ, બેક્લોમીથાઝોન, ફ્લુટિકાઝોન, ટ્રાએમ્સિનોલોન, ફ્લુનિસોલાઈડ વગેરે આવાં ઉદાહરણો છે. આ દવાઓ યોગ્ય રીતે પંપ દ્વારા લેવામાં આવે તો મોં દ્વારા લેવાતી દવાઓની સરખામણીએ ખૂબ ઓછી માત્રામાં તેની જરૂર પડે છે. આ દવાઓ યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે લેવામાં આવે તો, લાંબા સમય સુધી લેવા છતાં સામાન્ય રીતે તેની આડઅસર થતી નથી.
દમના દર્દીએ હુમલો આવતો અટકાવવા માટે શું કરવું જોઈએ?
અમુક ચીજની એલર્જી હોવાનું એક વખત નક્કી થાય તો તે ચીજથી બાળકને દૂર રાખવું જરૂરી છે. દર્દીઓને સામાન્ય રીતે જે ચીજોની એલર્જી હોય છે તે નીચે જણાવેલ છે, સાથે તે દૂર કરવાનાં સૂચનો પણ જણાવ્યાં છે. દર્દીને કઈ ચીજની એલર્જી છે તેનો ખ્યાલ આવતો ન હોય તો નીચે પૈકી શક્ય હોય તે બધી જ ચીજ ટાળવી જોઈએ.
- ઘરની ધૂળ : ઘરની ધૂળમાં મગતરાં (mite નામનું જીવડું) અન્ય સૂક્ષ્મ જીવો, ફૂગ વગેરે એલર્જી કરી શકે તેવી ચીજો હોય છે. તેથી બાળકને આવી ધૂળથી દૂર રાખવું જોઈએ.
- બાળકને કચરો વળાતો હોય, ઝાપટીને ધૂળ દૂર થતી હોય, માળિયાં સાફ થતા હોય ત્યારે દૂર રાખવાં. ગાદલાં, ઓશિકાં, રજાઈને પ્લાસ્ટિકનાં કવરથી ઢાંકી દેવાં, જાડા કપડાના પડદાને બદલે પ્લાસ્ટિકના પડદા લઈ શકાય.
- ઓઢવાના ચારસા-ચાદરને અઠવાડિયે એક વખત ગરમ પાણીમાં બોળી રાખી, ધોઈ તપાવી દેવાં.
- ફર્નિચરનાં ગાદી-તકિયા-ગાલિચા દૂર કરી શકાય તેમ હોય તો તેમ કરવું. તેમ ન થાય તેમ હોય તો તેની ઉપર પ્લાસ્ટિકનાં કવર ચડાવી દેવાં. અથવા ચામડાનાં કવરવાળું ફર્નિચર વાપરવું. ધૂળ ભરાઈ શકે તેવાં પોચાં રમકડાં દૂર કરવા અથવા તેમને અઠવાડિયે એક વખત ગરમ પાણીથી ધોઈ સૂકવી દેવાં.
- કૂતરાં-બિલાડી જેવા પાલતુ પ્રાણીનાં સ્રાવો તથા વિષ્ઠાની એલર્જી થાય છે. આવાં પ્રાણીઓથી દર્દીને દૂર રાખવો. શક્ય હોય તો પાલતુ પ્રાણીને ઘરમાં રાખવાં જ નહીં.
- ઉંદર-વાંદાની વિષ્ઠા તથા શરીરનાં સ્રાવોની એલર્જી: ઉંદર-વાંદા ઘરમાં ન રહે તેવા ઉપાયો કરવા.
- ઘરમાં દીવાલ ઉપર અથવા અન્ય જગ્યાએ થયેલી ફૂગની એલર્જી : ફૂગને દૂર કરવાના ઉપાય કરવા.
- બાહ્ય-વાતાવરણની પરાગરજ તથા ફૂગ એલર્જીનું મહત્ત્વનું કારણ છે. આ એલર્જનથી બચવું સહેલું નથી પરંતુ પરાગરજ અમુક ઋતુમાં વધારે પ્રમાણમાં ફેલાયેલી હોય છે.
- કેટલાક દેશોમાં આવા સમયની જાણ રેડિયો, ટી.વી. દ્વારા કરવામાં આવે છે. આવા સમયે એલર્જીવાળાં વાતાવરણનો સંસર્ગ ટાળી પરાગરજ તથા ફૂગથી દૂર રહી શકાય.
- બીડી-સિગારેટના ધુમાડાથી દર્દીને દૂર રાખવા.
- બાહ્ય વાતાવરણનું પ્રદૂષણ, કોઈપણ પ્રકારનો ધુમાડો, ટ્રાફિક પ્રદૂષણ કે પેઈન્ટ-પાલિશની વાસ, અલગ-અલગ પ્રકારના સ્પ્રેથી પણ એલર્જી થઈ શકે.
- બાળકને તેનાથી દૂર રાખવું. જરૂર પડ્યે પોલ્યુશન-માસ્ક વાપરવું.
- કેટલાક તૈયાર ખોરાકમાં પ્રીઝર્વેટિવ તરીકે વપરાતા સલ્ફાઈડ્સની એલર્જી હોય તો તેવો ખોરાક ન આપવો.
- ઠંડી હવા કે હવામાનનો ફેરફાર : દર્દીને ઠંડા પવનના સંસર્ગથી દૂર રાખવું, શરીરને ઊનના કપડાથી ઢાંકેલું રાખવું.
- તણાવ-નિયંત્રણ : તણાવ તથા લાગણીના આવેગો દમની તકલીફ વધારે છે. તણાવ-નિયંત્રણથી દમના હુમલામાં રાહત મળે છે. તણાવ-નિયંત્રણના ઉપાયો કરવા.
Author
ડો. ભરત શાહ,
નિયામક, નિસર્ગોપચાર કેન્દ્ર ગોત્રી, વડોદરા