Nisargopachar Kendra (निसर्गोपचार केन्द्र)

Vinoba Ashram, Gotri, Vadodara 390021 INDIA
Ph: +91-265-2371880 | 94261-87847

એપ્રિલ-મે મહિનો આવે અને ઉનાળાની ગરમીનો પરચો જોવા મળે. બળબળતા બપોરમાં મોટેરાંઓને કામ માટે તડકામાં ફરવું પડે, છોકરાઓ પણ તડકામાં રમે તેથી ગરમી તથા લૂ લાગે. લૂને કારણે ઝાડા-ઉલટી થાય, તાવ આવે, ક્યારેક વ્યક્તિ મૃત્યુ પણ પામે. ગરમી તથા લૂને કારણે કેવી કેવી તકલીફો થાય તથા તેની સારવારમાં શું કાળજી રાખવી જોઈએ તે અંગે આપણે આ પત્રિકામાં જોઈશું.

આપણું શરીર નિશ્ચિત તાપમાને કામ કરવાં ટેવાયેલું હોય છે. વાતાવરણનું તાપમાન ઓછું હોય તો શરીર સ્નાયુઓને ધુ્રજાવીને તાપમાન વધારે છે. તેથી શિયાળામાં વધુ ઠંડી હોય તો શરીર ધ્રુજે છે. વાતાવરણનું તાપમાન વધુ હોય તો પરસેવો થાય છે અને શરીર ઠંડુ પડે છે. તેથી ઉનાળામાં અને કસરત પછી શરીરમાં પરસેવો વધુ થાય છે.

લૂ લાગવાથી શરીરને થતી તકલીફો તથા તેની સારવાર : વાતાવરણમાં ખૂબ વધુ ગરમી હોય અને શરીરને ઠંડુ પાડવાની શરીરની ક્ષમતા ઓછી પડે તો શરીરનું તાપમાન વધતું જાય છે. તે સાથે બીજા પણ કેટલાંક લક્ષણો જોવા મળે છે.

લૂ લાગવાથી શરીરને વિવિધ રીતે થતું નુકસાન નીચે મુજબ છે :

(૧) પગ, હાથ અને પેટમાં દુ:ખાવો : ગરમીમાં ખૂબ પરસેવો થાય છે. તેથી શરીરમાંથી કેટલાંક તત્ત્વો પરસેવા વાટે બહાર નીકળી જાય છે. પરિણામે પગ, હાથ તથા પેટમાં દુ:ખાવો થાય છે. ખાસ કરીને પગની પીડીંઓમાં આવો દુ:ખાવો વધુ રહેતો હોય છે. આવા દુ:ખાવા માટે એક લીટર પાણીમાં એક ચમચી મીઠું તથા સાથે લીંબુ અને ખાંડ નાંખીને બનાવેલું શરબત લેવાથી શરીરને ખૂટતા તત્ત્વો મળે છે અને દુ:ખાવો દૂર થાય છે. આ સાથે દુ:ખતા સ્નાયુઓને ખેંચાણ આપતી કસરત પણ ઉપયોગી થાય છે.

(૨) હાથ તથા પગમાં સોજો : ગરમી લાગવાની શરૂઆત થાય ત્યારે શરૂઆતનાં ગાળામાં હાથ તથા પગમાં થોડા સોજા આવતા હોય છે. વ્યક્તિ ગરમીથી ટેવાતો જાય તેમ તેમ આપમેળે સોજો આવતા બંધ થઈ જાય છે. તેથી આ માટે કોઈ ચોક્કસ સારવાની જરૂર હોતી નથી. હૃદયની બિમારી, કિડનીની બિમારી અથવા અન્ય કોઈ તકલીફને કારણે સોજા હોય તો તેની તપાસ કરાવી યોગ્ય સારવાર કરાવવી જરૂરી છે.

(૩) ગરમીથી શરીરમાંથી શક્તિ હણાઈ જવી (Heat Exhaustion) આ તકલીફમાં વ્યક્તિને અતિશય નબળાઈ લાગે, ફિક્કો પડી જાય, ક્યારેક ચક્કર પણ આવે. સાથે સાથે માથુ દુ:ખે, ઉલટી થાય તથા મધ્યમથી ભારે (૧૦૪૦ ફે.) સુધીનો તાવ પણ આવી શકે. નબળાઈ એટલી વધુ હોય કે જાણે શરીરમાંતી શક્તિ હણાઈ ગઈ હોય તેમ લાગે.

  • આવી તકલીફવાળાં વ્યક્તિને ઠંડકવાળી જગ્યામાં ખસેડો. પંખો ચાલુ કરી ઠંડી હવા આપો.
  • શરીર ઉપર વધુ પડતાં કપડાં પહેરેલા હોય તો ઓછા કરી નાંખો. ચુસ્ત કપડાં પહેર્યાં હોય તો તે કાઢી ખુલતા કપડાં પહેરવા દો.
  • વ્યક્તિ ભાનમાં હોય તો તેને મીઠું-ખાંડ-લીંબુનું અગાઉ જણાવ્યા મુજબનું શરબત પીવડાવો.
  • ચક્કર આવતાં હોય તો વ્યક્તિને સુવડાવી દો તથા પગની નીચે તકીયો મૂકી પગ ઊંચા કરાવો.
  • વ્યક્તિને તાવ હોય તો ઠંડા પાણીનાં પોતા મૂકી કે સ્પંજ કરી શરીરનું તાપમાન ઓછુ કરો.

(૪) હીટ સ્ટ્રોક (Heat Stroke) આપણે ક્યારેક સાંભળીએ છીએ કે ગરમીને કારણે અમુક વ્યક્તિનું મૃત્યુ થયું. આવા વ્યક્તિઓને હીટ સ્ટ્રોક થયેલો હોય છે. હીટ સ્ટ્રોક જવલ્લે જ જોવા મળે છે. પરંતુ જે વ્યક્તિઓને હીટ સ્ટ્રોક થાય છે તે પૈકી ૫૦% વ્યક્તિઓ મૃત્યુ પામે છે.

ઘરડાં, બિમાર, દારૂનાં બંધાણી, અમુક પ્રકારની દવા લેતાં વ્યક્તિઓ તથા ગરમીમાં અતિશય શારીરિક શ્રમ કરતાં હોય તેવા વ્યક્તિઓને હીટ સ્ટ્રોક ઝડપથી થાય છે.
હીટ સ્ટ્રોકનાં દર્દીને ઊંચો (ક્યારેક ૧૦૪૦ ફે થી પણ વધુ) તાવ આવી જાય છે. શરીર ખૂબ ગરમ લાગે, ચામડી લાલ તથા સૂકી પડી જાય. આગળ જતાં દર્દી બેભાન થઈ જાય. અને મૃત્યુ પણ પામે.
હીટ સ્ટ્રોકની સારવાર ડૉક્ટરની દેખરેખ હેઠળ થવી જરૂરી છે. દર્દીને દવાખાને પહોંચાડાય ત્યાં સુધી દર્દીને ઠંડી જગ્યામાં ખસેડો, કપડાં ઢીલાં કરો, તથા ઠંડા પાણીથી સ્પંજ કરો. વ્યક્તિ ભાનમાં હોય તો ખાંડ-મીઠું-લીંબુનું શરબત આપો.

ગરમીથી થતી તકલીફો કેવી રીતે અટકાવશો ?

  • ગરમીનાં દિવસોમાં બપોરના સમયમાં ખુબ ગરમી હોય ત્યારે વધુ શારીરિક શ્રમ કરવાનું ટાળો.
  • નીચેની તકલીફવાળાં વ્યક્તિઓને ગરમીમાં લૂ લાગવાની સંભાવના વધુ હોય છે. તેઓએ ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ
  • ઘરડાં વ્યક્તિઓ, થાઈરોઈડ, હૃદયરોગ, માનસિક રોગની અમુક પ્રકારની દવા લેતાં વ્યક્તિઓ, દારૂનાં વ્યસની, તાવ, ઝાડા-ઉલટી, ડાયાબીટીસની તકલીફવાળા વ્યક્તિઓ તથા કુપોષિત બાળકો.
  • ગરમીનાં સમયમાં છૂટથી પાણી પીવાની ટેવ રાખો. આ દિવસોમાં મળતા રસદાર ફળો – તડબૂચ, દ્રાક્ષ, સંતરા વગેરે તથા લીંબુ શરબત પણ લઈ શકાય.

અજમાવી જુઓ આપણા દેશની વનસ્પતિ ઔષધોની પરંપરા અનુસાર ડુંગળી ખૂબ ઉપયોગી મનાઈ છે. કચ્છનાં રણ પ્રદેશમાં વસતાં લોકો ઉનાળામાં તાપમાં બહાર જવાનું થાય તો લૂથી બચવા માટે માથાની ટોપી નીચે ડુંગળી છૂંદીને રાખતા. ઉનાળા દરમિયાન ડુંગળીનો છૂટથી ઉપયોગ કરવામાં આવે તો તે ગરમી તથા લૂ સામે રક્ષણ આપે છે તેમ માનવામાં આવે છે. ડુંગળીનું નિયમીત સેવન બલ્ડપ્રેશર, હૃદય રોગ, દમ, અપચો તથા બાળકોને વારે વારે ચેપ થતો હોય તેવાં રોગોમાં પણ ખૂબ ફાયદો કરે છે. પુખ્ત વયનાં વ્યક્તિ માટે ડુંગળીનું રોજનું પ્રમાણ ૫૦ ગ્રામ છે. નાના બાળકો માટે ઊંમરને ધ્યાનમાં રાખીને પ્રમાણ ઓછું કરવું જોઈએ. અજમાવી જુઓ !

Author
ડો. ભરત શાહ,
નિયામક, નિસર્ગોપચાર કેન્દ્ર ગોત્રી, વડોદરા